આપણી ત્વચા પર, ખાસ કરીને ચહેરા પર Demodex Folliculorum નામક અતિ સૂક્ષ્મ જીવાત હોય છે જેને સામાન્ય ભાષામાં સ્કિન માઈટ્સ કહેવાય છે. આ સ્કિન માઈટ્સનો ખોરાક ત્વચામાંથી નીકળતું સિબમ છે. સિબમ ત્વચાને કુદરતી રીતે મોસ્ચ્યુરાઈઝ રાખવામાં મદદ કરે છે.
આપણી ત્વચા પર Demodex brevis નામક વધુ એક જીવાત પણ રહે છે પણ મોટાભાગે બધા લોકોમાં Demodex Folliculorum નું પ્રમાણ જ વધુ હોય છે. આ સ્કિન માઈટ્સનું આયુષ્ય 2થી 3 અઠવાડિયા હોય છે.
વૈજ્ઞાનિકોની નવી સ્ટડી
વૈજ્ઞાનિકોને ખૂબ લાંબા સમય સુધી સ્કિન માઈટ્સ વિશે કોઈ ખાસ જાણકારી મળી ન્હોતી. તાજેતરમાં જર્નલ મોલેક્યુલર બાયોલોજી એન્ડ ઇવોલ્યુશન દ્વારા પબ્લિશ થયેલ એક સ્ટડી અનુસાર હાલ વૈજ્ઞાનિકોને ડેમોડેક્સ ફોલીફૂલોરમ નામના સ્કિન માઈટ્સ વિશે ઘણી જેનેટિક જાણકારી મળી છે.
મનુષ્ય એક માત્ર એવું જીવ છે જેના ચહેરા પર ડેમોડેક્સ ફોલીફૂલોરમ નામક માઈટ્સ રહે છે. તે આપણા ચહેરા પર જ પેદા થાય છે, ત્વચાને ખાય છે, પ્રજનન કરે છે અને મરી જાય છે.
ડેમોડેક્સ ફોલીફૂલોરમ ત્વચાની મૃત કોશિકાઓ ( Dead Skin Cells ) ખાય છે. તે મનુષ્ય પર એટલા નિર્ભર છેકે બીજે ક્યાંય જતા જ નથી. સ્ટડીમાં જાણવા મળ્યું છેકે હંમેશાથી આ જીવો આપણા ચહેરા પર ન્હોતા. પહેલા તેઓ બાહ્ય પેરેસાઈટ હતા, જે સમયની સાથે અંદર ચાલ્યા ગયા અને હવે મનુષ્યો સાથે પારસ્પરિક સંબંધ નિભાવે છે.
કરોડો વર્ષોથી મનુષ્ય સાથે છે
ડેમોડેક્સ ફોલીફૂલોરમ નામક આ માઈટ્સ કરોડો વર્ષોથી મનુષ્યના શરીર સાથે વિકસી રહ્યા છે. હવે તે શરીરના કાયમી રહેણાંક બની ગયા છે. વૈજ્ઞાનિકો એ બાબત પર રિસર્ચ કરે છેકે આ માઇટ્સને મનુષ્યના ચેહરાની ત્વચા સાથે આટલો પ્રેમ શાને છે. શુંકામે ત્યાંજ રહે છે ?
જીવનચક્ર
ડેમોડેક્સ ફોલીફૂલોરમનું એકમાત્ર ભોજન મનુષ્યના ચહેરાની ત્વચા છે. તે 2થી 3 અઠવાડિયાની આખી જિંદગી ચહેરા પર જ વિતાવે છે. તે દિવસના સમયે ત્વચાના છિદ્રોમાં છુપાઈ જાય છે કારણે કે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો તેમને તુરંત મારી નાખે છે. જેથી તે રાત્રીના સમયે બહાર આવે છે, હરે ફરે છે, સાથી શોધે છે, સેક્સ કરે છે અને ફરી છીદ્રોમાં જઈ સુરક્ષિત થઈ જાય છે.
વૈજ્ઞાનિકોને પહેલા એમ હતું કે આ જીવોમાં મળદ્વાર નથી હોતો, તેઓ જીવનભર કચરો ભેગો કરે છે અને મરતાની સાથે એકસાથે બધો કચરો બહાર નીકળી જાય છે, પરંતુ નવી સ્ટડી અનુસાર આ જીવાતોમાં મળદ્વાર પણ હોય છે. તેઓ આપણા ચહેરા પર મળનો ત્યાગ પણ કરે છે.
આનાથી મનુષ્યોને શું ફાયદો થાય છે ?
આ જીવાતની લંબાઈ 0.3 મિલીમીટર જેટલી હોય છે. આના ઘણાબધા પગ હોય છે, એક માથું હોય છે અને લાંબી પુંછડી જેવું શરીર હોય છે. આ જીવાતો સિબમની સાથે બહાર આવતા ચહેરાના મૃત કોષો ખાય છે. આમ મહદ્દઅંશે તેઓ ત્વચા માટે ફાયદાકારક તો છે.
હજુ રિસર્ચ ચાલુ છે
યુકેની યુનિવર્સિટી ઓફ રીડિંગ્સના રિસર્ચર અને આ સ્ટડીના ઓથર અલેજાંડ્રા પરોટ્ટી એ કહ્યું કે આ માઇટ્સના જનીનોમાં ઘણા બદલાવો થયા છે અને શારીરિક સંરચના પણ બદલાણી છે. તેઓ ત્વચાના છિદ્રોમાં જ રહેતા હોવાથી તેમના ડીએનએમાં પણ ઘણા ફેરફારો થયા છે.
ચહેરાની ત્વચા પર તેમનો કોઈ શિકાર કરતું નથી, જેથી તેઓ એક ખૂબ જ આરામદાયક જીવન ગુજારે છે. આજ કારણથી તેઓ ઘણા આળસુ બની ગયા છે અને તેમનું જીવન પણ ખૂબ ઓછા પ્રોટીનથી ચાલી જાય છે. મનુષ્યોના ચહેરા સિવાય તેઓ અન્ય કોઈ પ્રાણીઓ પર જતા નથી, જેથી તેઓ મનુષ્ય પર નિર્ભર બની ગયા છે. તેમના દ્વારા થતા ફાયદા અને નુક્સાન પર હજુ વિગતવાર રિસર્ચ ચાલુ છે પણ જો આજ રીતે તેમના જનીનમાં ફેરફાર થતા રહેશે તો તે લુપ્ત પણ થઈ શકે છે.